કોઈ અનાયાસ જ લૂંટી ગયું (રમેશકુમાર. એલ. જાંબુચા ”રાજ”)

Posted on

આમ  વરતે  નહીં, મારી સાથે નક્કી  એમાં કંઈક ખૂટી ગયું 
હતું જે પાસે એ  ખરેખર અનાયાસ કોઈ લૂંટી ગયું. 
બેવડ  વળીને કોઈ ખૂણામાં સુતું રહે છે  અંધારું કાયમ, 
વિવાદ કર્યો જ નથી તો વળી કોણ અજવાળું  લૂંટી ગયું? 
આંસુને ખાળવા આંગળી જ રૃમાલ થઈ   હતી દોસ્ત, 
સૂરજ આવ્યો મળવાને ત્યાં ઝાકળને  કોઈ લૂંટી ગયું. 
માળાને  ક્યાં ખબર હોય છે ઈંડા સેવ્યાની  વાત, 
આ તો  વૃક્ષે કહ્યું માળાને, તને કોણ લૂંટી ગયું? 
પાનખર  ગયા પછી ડાળખીએ  ડૂસકાં  દીધા દાનમાં, 
હતું  ભીતર મહીં એ જ સર્વસ્વ કોઈ લૂંટી ગયું. 
પૂરાવો કોઈ નક્કર તું આપ જુદાં પડવા માટે મને, 
નહીં  તો કોણ માનશે  ધોળા દહાડે કોઈ લૂંટી ગયું! 
તડકાને  રણમાં  ઉતારી મૃગજળનો આભાસ રહેવા દે 'રાજ' 
હવે  સાબિતી  ન માગ કે હરણાને કોણ કોણ લૂંટી ગયું. 

- રમેશકુમાર. એલ. જાંબુચા ''રાજ''  
(પાણીયાણી, જિ.  ભાવનગર)

Leave a comment