બે સ્ત્રી વચ્ચેના સંબંધો અને વલણોને કોઇ સમજી નથી શક્યું

સ્ત્રીની અવદશામાં સ્ત્રીના ફાળા વિષે પુસ્તકો ભરીને લખી શકાય એમ છે. આમાં માનસિક, સામાજિક, આર્થિક, એમ ઘણાં કારણો હશે.

હમણા વિશ્વભરમાં મહિલા દિવસ ઉજવાઈ ગયો ઠેરઠેર પરિસંવાદો થયા, ભાષણો થયા, વડાપ્રધાને સ્ત્રી સમાનતાનો અનુરોધ કર્યો પણ આ બધામાં વાસ્તવિકતા ઓછી અને દંભ વધુ દેખાય છે. સદીઓથી ફિલોસોફરોની ફરિયાદ છે કે તેઓ સ્ત્રીને સમજી શકયા નથી.

કથેરીન મેન્સફિલ્ડની એક વાર્તામાં પત્ની એક દુઃખી સ્ત્રીને ઘરમાં લાવે છે અને એને બહેનની જેમ રાખે છે. પતિને આ નવી સ્ત્રીની પરિસ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ છે, પણ એ સ્ત્રી કાયમ ઘરમાં રહે તો એમાંથી કયારેક નાજુક સ્થિતિ ઉભી થવાની દહેશત એના મનમાં જાગે છે. એ પોતાની પત્નીને સમજાવીને એની બહેનપણીને ઘરમાંથી વિદાય આપવા સમજાવે છે. પણ પત્ની માનતી જ નથી! પતિ મનમાં ને મનમાં અકળાય છે. અંતે એણે એક કીમિયો કર્યો. એણે પત્નીની હાજરીમાં પેલી સ્ત્રી તરફ સભાનતાથી પ્રેમ અને લાગણીનું પ્રદર્શન કરવા માંડયું. એક વાર પત્નીએ આ બરાબર ધ્યાનથી જોયું. બીજે જ દિવસે એણે બહેનપણીને ઘરમાંથી વિદાય કરવાનો નિર્ણય લઈ લીધો! પતિએ કહ્યું, ભલેને ઘરમાં રહેતી પણ પત્નીએ નિર્ણય લઈ લીધો હતો.

સ્ત્રી અને પુરૃષ વચ્ચેનાં સંબંધની જેમ સ્ત્રી અને સ્ત્રી વચ્ચેનો સબંધ ગહન અભ્યાસનો વિષય છે. સ્ત્રી અને પુરૃષ વચ્ચે પતિ – પત્ની, ભાઈ – બહેન, પિતા – પુત્રી, માતા – પુત્ર એમ અનેક પ્રકારનાં સંબંધો હોઈ શકે, એમ બે સ્ત્રીઓ વચ્ચે પણ સગી બહેન, બહેનપણી, શોકય, નણંદ – ભોજાઈ, માતા – પુત્રી, એમ અનેક સ્તરના સબંધો હોઈ શકે છે. બે સગી બહેનો વચ્ચે સોહાર્દપૂર્ણ સબંધ હોય એવું ઓછું જોવા મળે છે. હું એક એવા કુટુંબને જાણું છું, જેમાં એક પુરૃષ પોતાની આર્થિક રીતે દુઃખી સાળીને મદદ કરે છે, પણ પોતાની પત્ની, એટલે કે પેલી સ્ત્રીની સગી બહેનથી છુપાવીને! વાસ્તવમાં પરિસ્થિતિ આનાથી વિપરીત હોવી જોઈએ. પણ, કેટલીક પરિસ્થિતિઓ અને ઘટનાઓ સામાન્ય સમાજનાં સિધ્ધાંતોથી પર હોય છે. એક સ્ત્રી અને બીજી સ્ત્રી વચ્ચેનો સબંધ અસ્વાભાવિકતાની પરિપાટી ઉપર ચાલે છે.

વર્ષો પહેલા રાજસ્થાનમાં એક યુવાન સ્ત્રી પતિની પાછળ સતી થઈ ગઈ. રૃપકુંવરના સતી થવામાં એની જ ભગિનીઓએ શો ભાગ ભજવ્યો? રૃપકુંવર ચીસો પાડતી હતી, અન ે ચિતામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતી હતી, એવા અહેવાલો છે. પણ, રૃપકુંવરને પુરૃષના આધિપત્યવાળા સમાજમાં પુરૃષોની મદદ ન મળે એ સમજાય પણ બીજી સ્ત્રીઓ પણ રૃપકુંવરને બચાવવાને બદલે એને ચિતામાં ધકેલવામાં ભાગીદાર બને એ કેવું? રૃપકુંવર જેવી અનેક સ્ત્રીઓ જે વર્ષોથી સામાજિક દુષણોનો ભોગ બને છે, એમાં સ્ત્રીઓનો પોતાનો પણ સક્રિય સહયોગ છે. સ્ત્રીની અવદશામાં સ્ત્રીના ફાળા વિષે પુસ્તકો ભરીને લખી શકાય એમ છે. આમાં માનસિક, સામાજિક, આર્થિક, એમ ઘણાં કારણો હશે. અનેક પુરૃષોનાં ટોળામાં સંકોચ અને એકલાપણું અનુભવતી સ્ત્રી બીજી સ્ત્રીને શોધીને તરત એની સાથે આત્મીયતા સાધી લે છે પણ, એ આત્મીયતા તત્પૂરતી હોય છે.

ચુનીલાલ મડિયાની વાર્તા ઉપર આધારીત ફિલ્મ મિર્ચ મસાલામાં એક પ્રસંગ આવે છે. ગામનો એક માથાભારે માણસ ફિલ્મની નાયિકા ઉપર કુદ્રષ્ટિ કરે છે. નાયિકા મરચાના એક કારખાનામાં સંતાઈ જાય છે, જયાં સંખ્યાબંધ બીજી છોકરીઓ અને બે ત્રણ વૃધ્ધાઓ પણ હતી. કારખાનાનો ચોકીદાર અબુખાન કોઈને અંદર પ્રવેશવા દેતો નથી. પેલો માથાભારે માણસ ધમકીઓ આપે છે.

સૈનિકો મોકલવાનું આયોજન કરે છે. એનાથી બધા ફફડે છે. ધીમે ધીમે કારખાનામાંની સ્ત્રીઓ નાયિકાને સમજાવવાનું શરૃ કરે છે કે તું જા અને એને શરણે થઈ જા, એમાં જ આપણા બધાનું હિત છે. અને પેલી મુખી જેવી બાઈ તો એના ઉપર ફિટકાર વરસાવતાં કહે છે કે એ એક તારા શિયળના રક્ષણ માટે અમારા બધાના જાન જોખમમાં આવ્યા! એના કરતા મુઈ એની પાસે જતી રહે, એ કંઈ તને ખાઈ નહીં જાય! અને પેલા ગુંડા પાસે જઈ આવેલી એક છોકરી બોલે છે, હા હું તો એની પાસે જઈ આવી છું. એ તો બહુ સારો માણસ છે. મને પૈસા પણ આપ્યા હતા!

આ પ્રસંગ એક સ્ત્રીના બીજી સ્ત્રી તરફના વલણોને બહુ સારી રીતે સ્કુટ કરે છે. સ્ત્રી ઘણીવાર પોતાની સલામતી ખાતર બીજી સ્ત્રીનો ભોગ ધરી દે છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને ભાગ્યે જ પોતાની ભગિની ગણે છે. બહુધા એમાં એને પોતાની હરીફ દેખાય છે. નણંદ અને ભોજાઈ વચ્ચેના ઝઘડાની વાત જાણીતી છે. બંને લગભગ સમવયસ્ક સ્ત્રીઓ જ છે. અને છતાં, નણંદ પોતાની ભાભીને ત્રાસ આપવામાં જ પોતાનો અહમ સંતોષે છે. પોતે  સાસરામાંથી આવે, અને આવીને તરત ભાભી ઉપર રૃઆબ મારવાનું શરૃ કરે! દમન એક ઘરેથી બીજા ઘરે ટ્રાન્સફર થાય. સ્ત્રીને સળગાવી મૂકવાના કિસ્સા આપણે ત્યાં દર રોજ બને છે, અને એમાં સાસુ  કે નણંદ રૃપે સ્ત્રી પણ સામેલ હોય છે! મુસ્લિમ મહિલા ખરડો સંસદમાં આવ્યો, ત્યારે મહિલાઓ ધારત તો એને પોતાની તાકાતથી અટકાવત. પણ, એ ઝુંબેશના પાયા જેવી શાહબાનું પણ છેલ્લી ઘડીએ મહિલા વિરોધ ધારાની તરફેણ કરતી થઈ ગઈ!

આપણી સંસદ અને પ્રધાનમંડળમાં સૌથી ઓછી સ્ત્રીઓ શ્રીમતી ગાંધીના શાસનમાં હતી. શ્રીમતી ગાંધી બાહ્ય રીતે મહિલા ઉધ્ધારની હિમાયત કરતાં, પણ એમની આસપાસ ભાગ્યે જ મહિલાઓ જોવા મળતી. એકવાર એમના જ એક સંસદ સભ્ય શ્રીમતી અરૃણા અસફઅલી કટોકટી દરમ્યાન દિલ્હીની એક ફરિયાદ લઈને ગયા.

ત્યારે એમને તતડાવીને કાઢી મૂકયાં હતા, શ્રીમતી ગાંધીએ ધાર્યું હોત તો પોતાની સત્તાનો ઉપયોગ કરીને દેશમાં મહિલા શિક્ષણ અને નારીમુક્તિની ચળવળોને મોટા વેગ આપી શકયા હોત. પણ આવા પ્રશ્નોમાં એમનું કોઈ કમીટમેન્ટ જોવા મળતું નહીં. રાજીવ ગાંધીની કેબિનેટ અને સંસદમાં વધુ મહિલાઓ દેખાય છે.

વર્ષો પહેલાં કે.એલ. સાયગલ અને સુરૈયાના અભિનયવાળી ફિલ્મ પરવાના આવી હતી. પરિણીત સાયગલ જયારે સુરૈયાના પ્રેમમાં અને વિરહમાં દુઃખી થઈને બિમાર પડે છે, ત્યારે એની પત્ની પતિની પ્રેમિકા પાસે જઈને પોતાના  પતિની જિંદગી બચાવવા પોતાની સાથે આવવાની આજીજી કરે છે અને એને લઈ આવે છે.  વસતીની દ્રષ્ટિએ આપણા દેશમાં મહિલાઓનું પ્રમાણ લગભગ અડધું (આશરે ૪૮ ટકા) છે, પણ છતાં જીવનના વિવિધ ક્ષેત્રોમાં બે પાંચ ટકા મહિલાઓ માંડ દેખાય છે. લાયબ્રેરીમાં કોઈ એકલી સ્૬ી વાંચવા આવી હોય એવું દ્રષ્ય મેં હજી જોયું નથી. કોઈ પ્રસંગ ઉપર પણ એકલો પુરુષ જોવા મળે, સ્ત્રી નહીં.

હવે એક બપોરના ફિલ્મ શોમાં સ્ત્રીઓનું પ્રાચુર્ય જોવા મળે ખરું. કોઈ સ્ત્રી જુસ્સાપૂર્વક કોઈ પુરુષની સાથે ઝઘડતી પણ જોવા નહીં મળે! કોઈ સ્ત્રી વ્યવસાય કે શોખની સમાનતાને લીધે પુરુષ સાથે મૈત્રી બાંધવા લલચાય, પણ તરત સમાજ ‘લેબલ’ મારી દેશે એ બીકથી આગળ વધે જ નહીં. સ્ત્રીએ પોતે રચેલા એકદંડીયા મહેલમાં પુરાઈને રહેવું પડે છે. અને કોઈ પુરુષ સાથે સ્ત્રી પરિચય વિકસાવે તો એ સંબંધને શંકાની દ્રષ્ટિએ જોવામાં સ્ત્રી જ પહેલી હોય છે. સ્ત્રીઓના વર્તુળમાં થતી અંતરંગ ચર્ચાઓ ઘણીવાર સાંભળવા જેવી હોય છે, અને રસપ્રદ હોય છે. સુશિક્ષિત અને અર્ધશિક્ષિત સ્ત્રી વચ્ચેના વર્તનમાં પણ ક્યારેક આશ્ચર્ય પમાડે એવું સામ્ય હોય છે.

જાહેરખબરોમાં સ્ત્રીઓનો દુરુપયોગ થાય છે, અને ફિલ્મોમાં સ્ત્રીના શરીરનું પ્રદર્શન થાય છે, એવી ફરિયાદો આપણે વારંવાર સાંભળીએ છીએ, અને આની સામે ક્યારેક ઝુંબેશ  પણ થાય છે. પણ આ ઝુંબેશકારો પાયાનો પ્રશ્ન ભૂલી જાય છે. જાહેરખબરમાં મોડલીંગ કરનાર કઈ જાતિ છે? સ્ત્રી પોતે જ જો સહેલાઈથી કપડાં ઉતારવા કે ‘ગ્લેમર’ માટે તસ્વીરો પડાવવા ઉત્સુક હોય તો એમાં કોઈ શું કરી શકે? ફિલ્મો અને વિજ્ઞાાપનોમાં કંઈ પુરુષો સ્ત્રીના વેશમાં રજુ નથી થતા! ખરેખર મહિલા કાર્યકરોએ પોતાનું જ શોષણ થવા દેનાર આવી સ્ત્રી સામે ઝુંબેશ ચલાવવી જોઈએ.

એક જમાનામાં નિમ્મી, નરગીસ અને મીનાકુમારી જેવી અભિનેત્રીઓ હતી, જે નાચનારીઓના ઘરાનામાંથી આવતી હોવા છતાં પડદા ઉપર સંપૂર્ણપણે મર્યાદા જાળવતી અને પોતાના શરીરનું બિનજરૃરી પ્રદર્શન થવા દેતી નહીં, આજની સારા ઘરમાંથી આવતી હિરોઈનો આગળ આવવા માટે શરીર પ્રદર્શનનો બેફામ આશ્રય લે છે અને સામે ચાલીને અખબારોમાં પોતાના જ વિષેની ગપસપ અને પ્રેમ પ્રકરણની વાતો છપાવે છે.

કેટલીક સ્ત્રીઓએ તો નારી મુક્તિનો નારો લગાવ્યા પછી પોતાનાં કૃત્યો દ્વારા પોતાના જ ધ્યેયને છેહ દીધો છે. આમાં પણ અભિનેત્રીઓ પહેલી આવે. ‘જે ફિલ્મોમાં સ્ત્રીને પુરુષની ગુલામ તરીકે દર્શાવવામાં આવે  એમાં હું ભૂમિકા નહી કરું’ એમ જોરશોરથી કહેનાર શબાના આઝમીને બીજી પત્ની તરીકેનો દરજ્જો સ્વીકારવામાં ખોટું લાગ્યું નહીં. સ્મિતા પાટીલ પણ એ જ માર્ગે ગઈ અને પછી તો જયાપ્રદા, હેમામાલિની, એમ એક ક્રમ શરૃ થઈ ગયો.  સ્ત્રીઓનો સક્રિય સાથ અને સહકાર ન હોય તો બહુપત્નીત્વની પ્રથા ચાલુ રહે ખરી? સલામતી કે ધર્મની રૃઢિ કે સામાજિક પરિસ્થિતિ આવું કરાવે તો સમજી શકાય, પણ સ્વતંત્રણે પણ આવું બનતું જોવા મળે જ છે. લગ્નેતર સંબંધને આપણે આપણી દંભી નૈતિકતાના સંદર્ભમાં ન મૂલવીએ, અને એને સ્ત્રી પુરુષ વચ્ચેની આંતરિક સમજૂતી તરીકે જ જોઈએ. આ વાત તો લગ્નના બંધનની છે.

કોલેજમાં ભણતી યુવતીઓ અંદર અંદર એમના પ્રોફેસરે લખાવેલી નોટસને સોનાચાંદીના ઘરેણાની જેમ સાચવી રાખશે, અને ભૂલેચૂકે પોતાની બહેનપણીને નહીં આપે. પેલી બહેનપણીએ કોઈ છોકરા પાસેથી નોટસ મેળવવી પડશે. એક જ ઓફિસમાં એકથી વધુ મહિલાઓ હોય, ત્યારે એમની વચ્ચે પરસ્પર સહકારની ભાવના કરતા ઈર્ષ્યા અને ખટપટ જ કેમ વધુ જોવા મળે છે? અલબત્ત, આમ હંમેશા બનતું નથી. અને આથી વિપરીત સ્થિતિ પણ ઘણીવાર જોવા મળે છે. બે નોકરી કરતી સ્ત્રીઓ કે સાથે ભણતી યુવતીઓ પરસ્પર સહકાર સાધીને એકમેકને આધાર અને રક્ષણ આપે એવા કિસ્સા પણ ઘણીવાર જોવા મળે છે. પણ, સ્ત્રી અને સ્ત્રી વચ્ચેના સંબંધ વિષે કોઈ વાત મજબૂત રીતે ખાતરી પૂર્વક કહી શકાતી નથી.

કદાચ આ એક પેચીદો, પેરેડોક્સયુક્ત, વિરોધાભાસથી ભરેલો, અટપટો પ્રશ્ન છે.

Advertisements